અનિશ્ચિત્તાના માહોલમાં પણ ભારતીય કોર્પોરેટજગતે ગત નાણાંકીય વર્ષમાં શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં ઉદાર વલણ અપનાવ્યું છે. ખાસ કરીને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, હિન્દુસ્તાન ઝિંક અને કોલ ઈન્ડિયા જેવી રોકડથી સમૃદ્ધ કંપનીઓએ શેરધારક રોકાણકારો પર ડિવિડન્ડ વર્ષા કરી છે.આ ત્રણેય કંપનીઓ દ્વારા ઉંચી ડિવિડન્ડની ચૂકવણીને કારણે તમામ લિસ્ટેડ કંપનીઓની ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવણી નાણાં વર્ષ ૨૦૨૩માં વાર્ષિક ધોરણે ૩૮ ટકા વધીને રેકોર્ડ રૂ. ૨.૨૭ લાખ કરોડ થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં કંપનીઓ દ્વારા ડિવિડન્ડ ચૂકવણીનો આ આંકડો ૧.૬૫ લાખ કરોડ રૂપિયા હતો.
તેની સરખામણીમાં આ કંપનીઓના એકીકૃત ચોખ્ખા નફામાં ગત નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે ૧૩.૪ ટકાનો વધારો થયો છે. પરિણામે ૨૦૨૩માં કંપનીઓનો ડિવિડન્ડ ચૂકવણીનો ગુણોત્તર પણ વધ્યો છે. કંપનીઓએ ૨૦૨૩માં તેમના ચોખ્ખા નફાના ૪૧.૨ ટકા ડિવિડન્ડ તરીકે વહેંચ્યા હતા, જ્યારે ૨૦૨૨માં નફાના ૩૩.૯ ટકા ડિવિડન્ડ પર ખર્ચવામાં આવ્યા હતા.
એક સર્વેમાં ૫૫૭ કંપનીઓના ૨૦૨૩ના પરિણામોને ધ્યાને લેવામાં આવ્યા છે. દેશની તમામ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી આ સર્વેમાં સામેલ કંપનીઓનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે.
જોકે નાણા વર્ષ ૨૦૨૩માં ડિવિડન્ડમાં વધારો મુખ્યત્વે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, હિન્દુસ્તાન ઝિંક અને કોલ ઇન્ડિયા દ્વારા ઊંચા ડિવિડન્ડની ચૂકવણીને કારણે થયો છે. આ કંપનીઓએ કુલ રૂ. ૯૪,૪૮૨ કરોડનું ડિવિડન્ડ આપ્યું છે જ્યારે ૨૦૨૨માં રૂ. ૬૦,૬૬૩ કરોડનું ડિવિડન્ડ આ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કુલ ડિવિડન્ડ ચુકવણીમાં આ ત્રણ કંપનીઓનો હિસ્સો લગભગ ૪૧.૫ ટકા હતો. ડિવિડન્ડ ચૂકવણીમાં વધારો કરવામાં આ ત્રણેય કંપનીઓનું યોગદાન લગભગ ૯૭ ટકા હતું. આ ત્રણ કંપનીઓને બાદ કરતાં વિશ્લેષણમાં સમાવિષ્ટ કંપનીઓના કુલ ડિવિડન્ડની ચૂકવણીમાં ૨૦૨૩માં માત્ર ૧.૪ ટકાનો નજીવો વધારો થયો છે અને ચૂકવણીનો ગુણોત્તર તો ઘટયો છે.
અત્રે એક મહત્વની વાત એ છે કે ડિવિડન્ડના આંકડા વધુ ફેરફારને આધીન છે કારણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત અનેક મોટી કંપનીઓએ હજુ સુધી ડિવિડન્ડ જાહેર કરવાનું બાકી છે. રિલાયન્સે ૨૦૨૨માં કુલ રૂ. ૪૫૧૨ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, વેદાંતા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, આઈટીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગેઇલ ઇન્ડિયા એ પણ હજુ સુધી ડિવિડન્ડ જાહેર કર્યું નથી.
નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૩૯૧ લિસ્ટેડ કંપનીઓએ કુલ રૂ. ૩.૬ લાખ કરોડનું ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવ્યું હતું. મેટલ્સ અને માઇનિંગ જાયન્ટ વેદાંતે સૌથી વધુ રૂ. ૧૬,૭૪૦ કરોડનું ડિવિડન્ડ આપ્યું હતું. આ પછી ટાટા કન્સલ્ટન્સી સર્વિસે રૂ. ૧૫,૭૩૮ કરોડ અને આઇટીસીએ રૂ. ૧૪,૧૭૧ કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. જોકે ૨૦૨૩ના નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કરનાર કંપનીઓમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ રૂ. ૪૨,૦૯૦ કરોડ સાથે આગળ છે. ૨૦૨૩માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૪૨,૧૪૭ કરોડ હતો એટલેકે કંપનીએ પોતાનો સંપૂર્ણ ચોખ્ખો નફો શેરધારકોને ડિવિડન્ડના રૂપમાં આપ્યો છે. આ જ રાહે હિન્દુસ્તાન ઝિંકે ૨૦૨૩માં રૂ. ૩૧,૯૦૧ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે ૨૦૨૨ના રૂ. ૭૬૦૫ કરોડ કરતાં લગભગ ચાર ગણું વધારે છે. જોકે ૨૦૨૩માં કંપનીનો ચોખ્ખો નફો ૯.૨ ટકા વધીને રૂ. ૧૦,૫૧૧ કરોડ થયો છે.
કોલ ઈન્ડિયાએ ૨૦૨૩માં શેરધારકોને ડિવિડન્ડ તરીકે રૂ. ૨૦,૪૯૧ કરોડ ચૂકવ્યા છે, જે ૨૦૨૨માં રૂ. ૧૦,૪૭૭ કરોડથી ૯૫.૬ ટકા વધારે છે. તેની સરખામણીમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ૬૬ ટકા વધીને રૂ. ૨૮,૧૬૫ કરોડ થયો છે. આ સિવાય એચડીએફસી (૪૮.૪ ટકા), મારુતિ સુઝુકી (૫૦ ટકા) અને આઈસીઆઈસી બેંક (૫૬.૩ ટકા)ના ડિવિડન્ડની ચૂકવણીમાં પણ વધારો થયો છે.