ભારતીય શેરબજારમાં ડીમેટ એકાઉન્ટ ખોલવાનો દર ફરી ધીમો પડી રહ્યો છે. માસિક ધોરણે, ડીમેટ એકાઉન્ટ ખોલવાનો દર એપ્રિલમાં ૧.૬ મિલિયનને સ્પર્શ્યો હતો, જે ડિસેમ્બર ૨૦૨૦ પછીનો સૌથી ઓછો દર છે. આ પહેલા માર્ચમાં પણ ખાતા ખોલવાની સંખ્યા માર્ચ ૨૦૨૦ના સ્તરે પહોંચી ગઈ હતી. માર્ચ મહિનામાં લગભગ ૧૯ લાખ ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા.
નિષ્ણાતો માને છે કે વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ વ્યાજદરમાં સતત વધારો કર્યો છે. આ સાથે યુક્રેન-રશિયા યુદ્ધ, મોંઘવારી દરમાં વધારો અને વિકસિત દેશોમાં બેંકિંગ કટોકટીના કારણે રોકાણકારોના વલણમાં નબળાઈ જોવા મળી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૩માં ડીમેટ એકાઉન્ટ ખોલવાની સંખ્યા પણ નબળી જોવા મળી છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨માં દર મહિને સરેરાશ ૨૯ લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા; જ્યારે, નાણાકીય વર્ષ ૨૦૨૩માં માસિક સરેરાશ ૨૦ લાખ નવા ડીમેટ ખાતા હતા. જોકે, નાણાકીય વર્ષ ૨૦૨૩માં બજારના સુસ્ત વળતર અને સતત વોલેટિલિટી હોવા છતાં આ જોવા મળ્યું હતું.
તાજેતરમાં, વૈશ્વિક કટોકટી અને બેંકિંગ સંકટને કારણે, આઇટી શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે ડીમેટ ખાતા ખોલવાની ગતિ પણ ધીમી પડી છે.
ડીમેટ ખાતામાં સક્રિય ગ્રાહકો અને છૂટક ભાગીદારોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ ની સરખામણીમાં ડીમેટ એકાઉન્ટ ખોલવાની ગતિ ધીમી પડી છે કારણ કે તે સમયે ડીમેટ ખાતાઓની સંખ્યામાં ૬૩ ટકાનો વધારો થયો હતો. દરમિયાન, રોકાણકારોનું વલણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તરફ વધી રહ્યું હોવાનું જણાય છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩ માં, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સીપ) દ્વારા રોકાણ ૨૫ ટકા વધ્યું. આ વધારા સાથે સીપ દ્વારા થતું રોકાણ રૂ. ૧.૫૬ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં સીપ દ્વારા રૂ. ૧.૨૪ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૦-૨૧માં રૂ. ૯૬,૦૮૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.