ભાવમાં વધારો ઉપરાંત ઊંચી આયાત ડયૂટી તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પૂર્વવત થવા સાથે દેશમાં સોનાની દાણચોરીમાં વધારો થયાનું જણાય રહ્યું છે. ૩ ટકા જીએસટી સાથે સોના પર કુલ ૧૮ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે. દેશમાં સોના તથા ચાંદીની મોટેપાયે દાણચોરી પકડાઈ છે. ગયા વર્ષના એપ્રિલથી વર્તમાન વર્ષના ફેબુ્રઆરીના ૧૧ મહિનામાં દેશની વિવિધ એજન્સીઓએ દાણચોરીનું ૩૯૯૦ કિલો સોનું જપ્ત કર્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં આઆંક ૨૧૭૦ કિલો જ્યારે ૨૦૧૯-૨૦માં ૧૯૪૫ કિલો હતું એમ પ્રાપ્ત સરકારી આંકડા જણાવે છે.
નાણાં વર્ષ ૨૦૨૩માં સોનાની દાણચોરીમાં જોરદાર વધારો થયાનું કસ્ટમ્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૦-૨૧ની સરખામણીએ ગયા નાણાં વર્ષમાં દેશમાં વિમાનોની અવરજવરમાં જોરદાર વધારો નોંધાયો હતો. ઊતારૂઓની સંખ્યા પણ તે પ્રમાણમાં વધી હતી.
ગયા નાણાં વર્ષમાં એકલા મુંબઈએરપોર્ટ ખાતે ૬૦૦ કિલો સોનું જપ્ત કરાયું હતું. ભારતમાં સોનાના ભાવ પ્રમાણમાં ઊંચા હોવાથી અહી સારુ વળતર મળી રહે છે એટલું જ નહીં વિશ્વમાં ભારત સોનાનો મોટો વપરાશકાર દેશ છે.
દેશમાં દાણચોરી મારફત સોનું લાવવા માટે વિવિધ તરકીબો અજમાવાતી હોવાનું પણ તાજેતરમાં ધ્યાનમાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને શરીરની અંદર છૂપાડીને લવાતું સોનું પકડવું જરાક મુશકેલ બની રહે છે.
ભારતમાં સોનાની વધુ પડતી દાણચોરી સુદાન સહિતના આફ્રિકાના દેશો ખાતેથી થાય છે. માત્ર મુંબઈ જ નહીં પરંતુ લખનઉ, ચંડીગઢ, બેંગ્લુરુ, ચેન્નાઈ, કોચી જેવા એરપોર્ટસ ખાતેથી પણ દેશમાં દાણચોરીનું સોનુ ઘુસાડવામાં આવતું હોવાનું જણાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે નાણાં વર્ષ ૨૦૨૩માં સોનાના રોકાણ પર ૧૫ ટકાથી વધુનું વળતર છૂટયું હતું. સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ ઉપરાંત ઊચા વળતરને કારણે પણ દેશમાં સોનાની માગ ઊંચી રહ્યા કરે છે.