માર્ચ ૨૦૨૩ ક્વાર્ટરમાં, લિસ્ટેડ શેરોમાં સ્થાનિક રોકાણકારો – વ્યક્તિગત અને સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો પ્રથમ વખત ૨૫ ટકાને વટાવી ગયો છે. પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, માર્ચ ૨૦૨૩માં તે ૨૫.૭૨ ટકા હતો, જે ડિસેમ્બરના અંતે માત્ર ૨૪.૪૪ ટકા હતો.દરમિયાન, માર્ચ ૨૦૨૩માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)નો હિસ્સો નજીવો વધીને ૨૦.૫૬ ટકા થયો હતો. ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં લિસ્ટેડ શેરોમાં એફપીઆઈ હોલ્ડિંગ ૨૦.૨૪ ટકા હતું.
એ નોંઘનીય રહેશે કે વર્ષ ૨૦૧૫થી, શેરબજારમાં સ્થાનિક રોકાણકારોની પકડ મજબૂત થઈ રહી હતી અને વિદેશી ભંડોળની પકડ ઢીલી થવા લાગી હતી.
માર્ચ ૨૦૧૫માં નિફ્ટી કંપનીઓમાં એફપીઆઈ શેરહોલ્ડિંગ ૨૩.૩ ટકા હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો, છૂટક અને હાઈ નેટવર્થ રોકાણકારોનું કુલ શેરહોલ્ડિંગ માત્ર ૧૮.૪૭ ટકા હતું. આ સતત છઠ્ઠું ક્વાર્ટર છે જ્યારે બજારમાં સ્થાનિક રોકાણકારોનો કુલ હિસ્સો વધ્યો છે.
જાન્યુઆરી-માર્ચ ૨૦૨૩ ક્વાર્ટરમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું શેરહોલ્ડિંગ ૧૬.૩૫ ટકા હતું, જે અગાઉના ક્વાર્ટરમાં ૧૫.૩૨ ટકા હતું. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૫૪,૯૪૨ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જેનાથી સ્ટોક્સમાં તેમનું હોલ્ડિંગ વધ્યું હતું.
એ જ રીતે, છૂટક રોકાણકારોનું શેરહોલ્ડિંગ ૭.૨૩ ટકાથી વધીને ૭.૪૮ ટકા થયું હતું, પરંતુ હાઈ નેટવર્થ રોકાણકારોનું શેરહોલ્ડિંગ નજીવું ૧.૮૯ ટકાથી ઘટીને ૧.૮૮ ટકા થયું હતું.
એફપીઆઈ અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો વચ્ચેનું અંતર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું શેરહોલ્ડિંગ એફપીઆઈ કરતાં માત્ર ૨૦.૪૬ ટકા ઓછું છે. ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું શેરહોલ્ડિંગ એફપીઆઈ કરતાં ૨૪.૩ ટકા ઓછું હતું.
લિસ્ટેડ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો સતત ૭ ક્વાર્ટરમાં વધ્યો છે અને માર્ચ ક્વાર્ટરમાં તે ૮.૭૪ ટકાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. દરમિયાન, વીમા કંપનીઓનો હિસ્સો પણ વધીને ૫.૮૭ ટકાની છ વર્ષની ટોચે પહોંચી ગયો છે. સ્થાનિક શેરોમાં વીમા કંપનીઓના કુલ હોલ્ડિંગમાં એકલા ભારતીય જીવન વીમા નિગમનો હિસ્સો લગભગ બે તૃતીયાંશ છે.
રસપ્રદ વાત એ છે કે, આ સમયગાળા દરમિયાન ખાનગી કંપનીઓમાં પ્રમોટરોનો હિસ્સો ઘટીને ૪૧.૯૭ ટકાના ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે ડિસેમ્બર ૨૦૨૨ના ક્વાર્ટરમાં ૪૩.૨૫ ટકા હતો.
બીજી તરફ, લિસ્ટેડ કંપનીઓમાં સરકારનો હિસ્સો (પ્રમોટર તરીકે) ક્રમશ: જૂન ૨૦૦૯માં ૨૨.૪૮ ટકાથી ઘટીને માર્ચ ૨૦૨૩ ક્વાર્ટરમાં ૭.૭૫ ટકા થયો છે. લિસ્ટેડ જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટને કારણે સરકારનો હિસ્સો નીચે આવ્યો છે.