IPL 2023ના લીગનો અડધો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. IPLમાં તમામ ટીમોએ 14-14 મેચો રમવાની છે અને તેમાંથી 7-7 મેચો તમામ ટીમો રમી ચુકી છે. લીગ ફેઝમાં કુલ 70 મેચો યોજાવાની છે અને તેમાંથી 35 મેચ રમાઈ ચુકી છે. IPLની 16મી સીઝનની ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ રોમાંચક છે. ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5માં ત્રણ વિદેશી અને બે ભારતીય ખેલાડીઓ છે, જ્યારે પર્પલ કેપની રેસમાં ટોપ 5માં ચાર ભારતીય અને એક વિદેશી ખેલાડી છે.
IPL 2023ની ઓરેન્જ કેપની લિસ્ટમાં ફાફ ડુપ્લેસીસ સૌથી આગળ છે. તેણે 7 ઇનિંગ્સમાં 405 રન બનાવ્યા છે. બીજા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવોન કોનવે છે. તેણે અત્યાર સુધીમાં 314 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ત્રીજું નામ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરનું છે જેણે આ ટૂર્નામેન્ટમાં 306 રન બનાવ્યા છે. જયારે ગુજરાત ટાઈટન્સનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ચોથા નંબરે પહોંચી ગયો છે. તેણે મુંબઈ સામે ફિફ્ટી ફટકારી હતી અને તે 284 રન સાથે વિરાટથી આગળ નીકળી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીએ અત્યાર સુધી 279 રન બનાવ્યા છે.
બીજી તરફ પર્પલ કેપની લિસ્ટમાં ગુજરાત ટાઇટન્સનો વાઇસ કેપ્ટન રાશિદ ખાન ટોપ પર પહોંચી ગયો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 2 વિકેટ ઝડપી હતી અને તેણે મોહમ્મદ સિરાજને પાછળ છોડી દીધો હતો. બેંગ્લોર તરફથી સિરાજે 13 અને ગુજરાત તરફથી રાશિદે 14 વિકેટ ઝડપી છે. આ લિસ્ટમાં ત્રીજું નામ અર્શદીપ સિંહનું છે જેણે પંજાબ કિંગ્સ માટે 13 વિકેટ ઝડપી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ 12-12 વિકેટ ઝડપી છે.