આદિત્ય ધરની ફિલ્મ ‘ધી ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા’ ફરી અભેરાઈ પર ચઢી ગઈ હોવાનું કહેવાય છે. બોલીવૂડમાં હાલ મોટાભાગના હિરોની ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે તે પછી આ ફિલ્મ પાછળ ૩૦૦ કરોડ ખર્ચવાનું નિર્માતાઓને યોગ્ય લાગ્યું નથી. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી ૩૦ કરોડનો ખર્ચો થઈ ચૂક્યો છે પણ હવે તે બીજી વાર મુલત્વી કરી દેવાઈ છે. અગાઉ પણ બજેટના કારણે જ આ ફિલ્મ લટકી પડી હતી.
પહેલીવાર ૨૦૨૦માં આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે વિકી કૌશલ અશ્વત્થામાની ભૂમિકા કરશે તેવું નક્કી થયું હતું. જોકે, બાદમાં કોરોનાને કારણ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો. લોકડાઉન પછીના દોરમાં ફિલ્મો ફસડાઈ પડતાં છેવટે એક નિર્માતાએ પ્રોજેક્ટ જ છોડી દીધો હતો.
તે પછી આદિત્ય ધરે બીજા નિર્માતાની શોધ કરી હતી અને આ ફિલ્મમાં મોટાં બજેટને જોતાં કમર્શિઅલ સફળતા સુનિશ્ચિત બને તે માટે રણવીર સિંહને લેવાનું નક્કી થયું હતું.
જોકે, કમનસીબે છેલ્લાં છ-આઠ મહિનામાં રણવીર સિંહની પણ તમામ ફિલ્મો ફલોપ થતાં નિર્માતાઓએ તેને પણ હાંકી કાઢ્યો હતો. એ પછી સાઉથના કોઈ સ્ટાર સાથે આ પ્રોજેક્ટ આગળ વધારવાનું નક્કી થયું હતું. જોકે, હવે નિર્માતાઓએ બજારની સ્થિતિનો ક્યાસ કાઢીને હાલ આ ફિલ્મને લાલ ઝંડી બતાવી છે. આથી આ પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢી ગયો છે. આગામી મહિનાઓમાં કેટલીક બિગ બજેટ ફિલ્મની શું હાલત થાય છે તે જોયા પછી આ ફિલ્મ વિશે નિર્ણય લેવાશે.