ફિલ્મ ‘ધી કેરાલા સ્ટોરી’એ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે આશરે આઠ કરોડની કમાણી કરી છે. ખાસ કરીને સિંગલ સ્ક્રિન સિનેમામાં આ ફિલ્મ ઊંચકાઈ છે. આ ફિલ્મની માઉથ પબ્લિસિટી જોતાં તે બોક્સ ઓફિસ પર ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવો જ તરખાટ મચાવે તેવી શક્યતા ટ્રેડ પંડિતો દ્વારા વ્યક્ત થઈ રહી છે.
આ ફિલ્મને ‘સેલ્ફી’, ‘શહેઝાદા’ અને ‘કાશ્મીર ફાઈલ્સ’ કરતાં પણ સારું ઓપનિંગ મળ્યું છે. ‘કાશ્મીર ફાઈલ્સ’ને પહેલા દિવસે માંડ ત્રણ કરોડની કમાણી થઈ હતી. જોકે, બાદમાં માઉથ પબ્લિસિટીને કારણે તે ઊંચકાઈ હતી. તેનું જ પુનરાવર્તન ‘કેરાલા સ્ટોરીઝ’માં પણ થઈ શકે છે તેમ મનાય છે.
આ ફિલ્મે ભારે વિવાદ જગાવ્યો છે. તેને પ્રતિબંધિત કરવા માટે અદાલતોમાં દાવા પણ થઈ ચૂક્યા છે જોકે, હજુ સુધી કોઈ કોર્ટ દ્વારા તેના પર સ્ટે અપાયો નથી.
ફિલ્મમાં કેરળની છોકરીઓ કેવી રીતે લવ જેહાદમાં સપડાઈને આઈએસની જાળમાં ફસાઈ જાય છે તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. સુદિપ્તો સેન દિગ્દર્શિત ફિલ્મમાં અદા શર્માની મુખ્ય ભૂમિકા છે.
ફિલ્મને કરમુક્ત કરવાની માગણી પણ જુદાં જુદાં રાજ્યોમાં થઈ રહી છે. મધ્ય પ્રદેશ સરકાર તો અગાઉ જ ફિલ્મને કરમુક્ત જાહેર કરી ચૂકી છે.