રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ભાજપ નેતા વસુંધરા રાજે સાથે સાંઠગાંઠ કરવાના આરોપોને ફગાવી દીધા છે. કર્ણાટક ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી ગેહલોતે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વસુંધરા રાજે સાથે છેલ્લા ૧૫ વર્ષમાં માંડ ૧૫ વખત વાત થઇ હશે.
વસુંધરા પર નિશાન સાધતા તેમણે જણાવ્યું હતું કે તે બદલાની ભાવનાથી કાર્ય કરે છે. જ્યારે હું પ્રેમથી કાર્ય કરું છું. તે પોતાની રીતે અધિકારીઓને ધમકાવે છે. ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન બન્યા પછી રાજેએ અગાઉની સરકારે શરૃ કરેલા કાર્યો બંધ કરી દીધા હતાં જેના કારણે મારી અને તેમની વચ્ચે મિત્રતા થઇ શકે તેમ નથી.જેણે મારા કાર્યોને રોક્યા હોય તેની સાથે મારી ક્યારેય પણ મિત્રતા થઇ શકે?
તેમણે એ પણ જણાવ્યું હતું કે લોકોએ ધૌલપુરમાં આપવામાં આવેલા તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢ્યો હતો. વાસ્તવમાં ધૌલપુરમાં એક સભાને સંબોધતા ગેહલોતે જણાવ્યું હતું કે જ્યારે પાયલોટ જૂથે તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો ત્યારે ભાજપ નેતા વસુંધરા રાજે અને કૈલાશ મેઘવાલે તેમની સરકાર બચાવવામાં મદદ કરી હતી. ગેહલોત આ નિવેદન અંગે પાયલોટે જણાવ્યું હતું કે તેમના નેતા સોનિયા ગાંધી નહીં પણ વસુંધરા રાજે છે.
ગેહલોતે ધૌલપુરના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વસુંધરાએ એટલું જ કહ્યું હતું કે હું તમારી સાથે છું. તેઓ તેમને મળ્યા ન હતાં. જ્યારે કૈલાશ મેઘવાલે નિવેદન આપ્યું હતું કે રાજસ્થાનમાં સરકાર ઉથલાવની કોઇ પરંપરા નથી.
મુખ્યપ્રધાનનું આ નિવેદન સચિન પાયલોટની અજમેરથી જયપુર સુધી ચાલી રહેલી જન સંઘર્ષ પદયાત્રાની વચ્ચે આવ્યું છે. પાયલોટે મંગળવારે ગેહલોત સરકાર પર નિશાન સાધતા ભ્રષ્ટાચાર અને ભરતી પરીક્ષા પેપર લીક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. પાયલોટની ૧૨૫ કિલોમીટર યાત્રા સોમવારે જયપુરમાં સમાપ્ત થશે.