ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉંચાકાયો છે. જેની વચ્ચે હવામાન વિભાગે પણ હજી ગરમીનો પારો ઉપર જશે તેવી આગાહી કરી છે. બુધવારે વલ્લભવિદ્યાનગર 44.1 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં કોઇ રાહત થવાના એંધાણ જોવા નહી મળે. મે મહિનાની પ્રથમ સપ્તાહ બાદ રાજ્યમાં હવે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના નથી.
રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, તાપમાનનો પારો વધી ગયો છે. હવે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં તાપમાન 42-44 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
તંત્રના હીટ એક્શન પ્લાન મુજબ મહત્વના ટ્રાફિક પોઇન્ટ પર ઓઆરએસના પાઉચની વ્યવસ્થા કરવામાં આવશે. 108ની ટીમ પણ ખડે પગે કામ કરી રહી છે. આ અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે કામ વિના લોકોને બહાર ન જવા સુચના આપી છે. શરીરમાં પાણી ઘટીને ડિહાઈડ્રેશનની સ્થિતિ ઉભી ના થાય તે માટે પાણી-છાસ સહિતના લીકવિડ લેવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.
9 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર
વલ્લભવિદ્યાનગર સૌથી વધુ 44.1 ડિગ્રી
રાણપુર 44.0 ડિગ્રી,
રાજકોટમાં 43.9 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં તાપમાન 43.5 ડિગ્રી
વડોદરા 43.4 ડિગ્રી,
સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી
કંડલા 43.6 ડિગ્રી,
અમરેલીમાં 43.8 ડિગ્રી
ભુજમાં 43.4 ડિગ્રી,
ડીસામાં 43.4 ડિગ્રી
ગાંધીનગર 42.9 ડિગ્રી ,
પોરબંદરમાં 42.4 ડિગ્રી