મહારાષ્ટ્ર સરકારે સેલ્ફ રિડેવલપમેન્ટ કરવા ઈચ્છતી મુંબઈની હાઉસિંગ સોસાયટીઓ માટે સંખ્યાબંધ પ્રોત્સાહનો જાહેર કર્યાં છે. સેલ્ફ રિડેવલપમેન્ટ હાથ ધરનારી સોસાયટીઓ માટે ખાસ વન વિન્ડો સિસ્ટમ રચાશે. સેલ્ફ રિડેવલપમેન્ટ માટે જરુરી ડીમ્ડ કન્વેયન્સ પણ એક મહિનામાં આપી દેવાશે.
હાઉસિંગ સોસાયટીઓને સેલ્ફ રિડેવલપમેન્ટ માટે નાણાંકીય સહાય ઉપરાતં સંખ્યાબંધ વેરા છૂટછાટો સહિતનાં પ્રોત્સાહનોની પણ ખાતરી ઉચ્ચારવામાં આવી છે. નાણાંકીય સહાય માટે મુંબઈ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક તથા મહારાષ્ટ્ર સેન્ટ્રલ બેન્કને નોડલ એજન્સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
ગોરેગાંવના નેસ્કો ખાતે મુંબઈ ડિસ્ટ્રિક્ટ કો ઓપ હાઉસિંગ ફેડરેશન તથા અન્ય સંગઠનો સાથે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીએ યોજેલી બેઠકમાં સોસાયટીઓને ખાતરી આપવામાં આવી હતી કે સેલ્ફ રિડેવલપમેન્ટ માટે ખરા અર્થમાં વન વિન્ડો યોજના અમલમાં મુકવામાં આવશે. ડીમ્ડ કન્વેયન્સના સૌથી જટિલ કોકડાંને ઉકેલવા માટે વન વિન્ડો સિસ્ટમ લાગુ કરાશે. આ માટે જો અધિકારીઓ અરજી કર્યાના એક મહિનામાં કાર્યવાહી નહીં કરે તો દરખાસ્ત આપોઆપ મંજૂર થઈ જશે. ત્યારબાદ ચાર દિવસમાં સોસાયટીને પ્રમાણપત્ર આપવામાં આવશે. નોંધણી પ્રક્રિયા ૧૦ દિવસની અંદર અને ૪ દિવસની અંદર ૭/૧૨ નમૂનામાં ફેરફાર સંપૂર્ણપણે ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. આ માટે સ્ટેમ્પ ડયુટી માત્ર ૧૦૦ રૃપિયા પ્રતિ પર હશે. સિસ્ટમમાં જરૃરી ફેરફારો આગામી બે મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
સેલ્ફ રિડેવલપમેન્ટ કરનારી સોસાયટીઓને ફલોર સ્પેસ ઈન્ડેક્સમાં વૃદ્ધિ માટે અગાઉ સોસાયટીની બંને બાજુ ઓછામાં ઓછી નવ મીટર ખુલ્લી જગ્યાની જોગવાઈ હતી તેને બદલે હવે આ શરત સુધારીને છ મીટરની કરવામાં આવશે.
સેલ્ફ રિડેવલપમેન્ટ ઈચ્છતી સોસાયટીઓને ફાયદો
– ડીમ્ડ કન્વેયન્સ એક મહિનામાં મળી જશે
– સેલ્ફ રિડેવલમેન્ટ માટે નાણાંકીય સહાય મળશે. હાલ વ્યાજદર સાડાબાર ટકા છે તેને બદલે નોડલ એજન્સી બેન્કો દ્વારા ચાર ટકાની છૂટ માટે પ્રયાસ કરાશે.
-ટ્રાન્સફર પ્રિમિયમ ફી એક લાખથી ઘટાડીને ૫૦ હજાર કરાશે.
-નવ મીટરના રસ્તાને બદલે છ મીટરની જગ્યાની છૂટ અપાશે.
-મહાપાલિકાની ફીમાં રાહત અપાશે.
-પ્રોપર્ટી કાર્ડ સહિતની કાર્યવિધિ ચોક્કસ મુદ્દતમાં પાર પડાશે.
-સરકાર સેલ્ફ રિડેવલપમેન્ટ માટે એક ખાસ સેલ રચશે. જે તમામ જરુરી મંજૂરીઓ ત્રણ માસમાં મળી જાય તે સુનિશ્ચિત કરશે.