બિહારમાં જાતિગત વસતી ગણતરી પર નીતીશ સરકારને પટના હાઈકોર્ટમાંથી વધુ એક ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે નાતીશ સરકારની ઝડપી સુનાવણીની અરજી ફગાવી દીધી છે. હવે આ મામલે આગામી સુનાવણી નક્કી કરેલ તારીખ 3 જુલાઈના રોજ જ થશે. નીતીશ સરકાર દ્વારા પટના હાઈકોર્ટમાં ઈન્ટ્રોલોકેટ્રી એપ્લીકેશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટે મંગળવારે નિર્ણય સંભળાવતા અરજી ફગાવી દીધી છે. 4 મેના રોજ હાઈકોર્ટે બિહારમાં જાતિગત વસતી ગણતરી પર પ્રતિબંધ લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો.
નીતીશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ઈન્ટ્રોલોકેટ્રી એપ્લીકેશન (IA) પર મંગળવારે પટના હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ આઈએ દ્વારા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જાતિગત વસતી ગણતરી પર પ્રતિબંધના કેસની સુનાવણી ઝડપી કરવા અપીલ કરી હતી. કોર્ટે તેની તારીખ 3 જુલાઈ નક્કી કરી છે. સરકારનું કહેવું છે કે જાતિગત વસતી ગણતરીના મહત્વના કારણે તેની સુનાવણી જલ્દી થવી જોઈએ.
જોકે હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી છે. કોર્ટનું માનવું છે કે, આ કેસની ઝડપી સુનાવણીની કોઈ જરૂર નથી. આગામી સુનાવણી હવે પહેલાથી નક્કી કરેલ તારીખ 3 જુલાઈના રોજ જ થશે. ત્યાં સુધી જાતિગત વસતી ગણતરી પર પ્રતિબંધ ચાલુ રહેશે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોને પગલે પટના હાઈકોર્ટમાં જાતિગત વસતી ગણતરી વિરુદ્ધ દાખલ કરાયેલી પાંચ અરજીઓ પર ગત દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 4 મેના રોજ કોર્ટે વચગાળાનો આદેશ જારી કરીને જાતિગત વસતી ગણતરી પર રોક લગાવી હતી. આ સાથે અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા ડેટાને પણ સુરક્ષિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.