કદાચ તેમણે આ વાત પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે કહી હશે, પરંતુ એ સમયે પાર્ટીના કાર્યકર્તાઓ અને પછી વિપક્ષી દળોમાં કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે આવનારા દિવસોમાં વાજપેયીની વાત સાચી સાબિત થશે.
આજે 42 વર્ષ બાદ પાર્ટી કેન્દ્ર સિવાય 20 કરતાં વધુ રાજ્યોમાં સત્તામાં છે અને પાર્ટીના નેતા કહે છે કે હજુ તો તેનો પ્રસાર થવાનો બાકી છે.
પાછલાં આઠ વર્ષમાં નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીએ પાર્ટીને શિખર સુધી પહોંચાડી દીધી છે.
આજે ભાજપ સૌથી પૈસાદાર, સૌથી મોટી અને સૌથી પ્રભાવસાળી રાજકીય પાર્ટી છે. પાર્ટી જાતે ગૌરવપૂર્વક દાવો કરે છે કે તેઓ સભ્યસંખ્યા હિસાબે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
ચૂંટણી એક યુદ્ધ છે, તે માત્ર ચૂંટણી પુરતી વાત નથી. આ યુદ્ધના બે સૌથી મોટા યોદ્ધા નરેન્દ્ર મોદી અન અમિત શાહ આ વાત પર અમલ પણ કરે છે.
વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી માત્ર હિંદુત્વના ભરોસે ન રહીને, ઉમેદવારોની પસંદગી કરતી વખતે, ઉપજ્ઞાતિ, સામાજિક સંરચના અને ચૂંટણી ક્ષેત્રોની બીજી બારીકાઈઓ પર ઊંડાણપૂર્વક ભાર મૂકીને વ્યૂહરચના તૈયાર કરે છે.
ભાજપ પર નજીકથી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ કહે છે કે આ બંને નેતાઓએ એ સાબિત કરી દીધો છે કે રાજકારણ એક ફુલ ટાઇમ જૉબ છે. તેઓ કહે છે કે, “અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ એ બતાવી દીધું ચે કે જો તમે ચૂંટણીના છ મહિના પહેલા પોતાના એસી રૂમમાંથી બહાર નીકળશો, લોકો પાસે જશો તો તમે ચૂંટણી નહીં જીતી શકો. જો આપ ચૂંટણી જીતવા માગો છો તો તમારે સતત કામ કરતા રહેવું પડશે.”
પાર્ટીની ચમકમાં મોદી ફૅક્ટર
આ સ્થિતિ સુધી પહોંચવા માટે વર્ષ 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવાની કાર્યવાહીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જો મોદીને વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર ન બનાવવામાં આવ્યા હોય તો શું થયું હોત?
પ્રદીપસિંહ કહે છે કે, “વર્ષ 2013માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે એક વૉટરશેડ મૉમેન્ટ હતી. જો એ સમયે આવું ન થયું હોત તો શું થયું હોત તેની મને ખબર નથી.”
1984ની લોકસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠક હાંસલ કરવાથી માંડીને 2019ની ચૂંટણીમાં 303 બેઠકો જીતનાર ભાજપે આ શાનદાર સફરમાં ઘણાં ઉતારચઢાવ પણ જોયાં, મોટા ફટકા પણ સહન કર્યા અને હતાશા પણ વેઠી. 1984ની ચૂંટણીમાં ભારે પરાજય બાદ પાર્ટી અને તેમના વૈચારિક અભિભાવક સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં ગંભીર આત્મનિરીક્ષણ કરાયું.
ચૂંટણીની અસફળતાને એ વાતના પુરાવા સ્વરૂપે જોવામાં આવી કે એ સમયના પાર્ટીના અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીની ઉદારવાદી નીતિ કામ નહીં કરે. વાજપેયીના સ્થાને લાલ કૃષ્ણ આડવાણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આડવાણીએ પાર્ટીની મૂળ વિચારધારાના સ્વરૂપમાં જનસંઘના કટ્ટર હિંદુત્વને તરત પુનર્જીવિત કર્યું.
આડવાણીએ “છદ્મ ધર્મનિરપેક્ષપણું” અને “મુસ્લિમ તુષ્ટિકરણ”ની વાતો કરી અને જેનાથી હિંદુઓમાં પાર્ટીનું સમર્થન વધ્યું.