અમેરિકામાં શાસક ડેમોક્રેટિક પક્ષે નાગરિકતા અંગે ‘યુએસ સિટિઝનશિપ એક્ટ’ નામનું બીલ રજૂ કર્યું છે, જેમાં ગ્રીન કાર્ડ માટે દેશોનો ક્વોટા ખતમ કરવા અને એચ-૧બી વિઝા સિસ્ટમમાં ફેરફાર કરવાની દરખાસ્ત છે. આ બિલ કાયદો બનશે તો તેનાથી ઈમિગ્રન્ટ્સ એટલે કે વસાહતીઓ માટે અમેરિકાના નાગરિક બનવું સરળ થઈ જશે. ડેમોક્રેટ સાંસદ લિન્ડા સાંચેઝે ગુરુવારે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં દરેક દેશનો ક્વોટા ખતમ કરીને ઈમિગ્રેશન સિસ્ટમમાં રોજગાર આધારિત ફેરફાર કરવાની પણ દરખાસ્ત કરાઈ છે.
ડેમોક્રેટ સાંસદ સાંચેઝનું કહેવું છે કે યુએસ સિટિઝનશિપ એક્ટ ૨૦૨૩માં અમેરિકામાં વસતા બધા જ ૧.૧ કરોડ ગેરકાયદે વસાહતીઓ, ડ્રીમર્સ, ટીપીએસ ધારકોને નાગરિક્તા આપવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ બિલ દેશમાંથી હાંકી કાઢવાના ડર વિના લોકોને પાંચ વર્ષની નાગરિક્તાનો રસ્તો ખોલે છે. આ બિલમાં જોગવાઈ છે કે કોઈ વિદેશી નાગરિક ગેરકાયદે રીતે અમેરિકામાં વર્ષોથી રહેતો હોય તો તેના માટે નાગરિક્તા મેળવવી સરળ થશે.
અમેરિકન સંસદમાં રજૂ થયેલું આ બિલ કાયદો બની જશે તો તેનાથી ભારતીયોને મોટો ફાયદો થશે. કારણ કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરે છે. વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ અમેરિકામાં અંદાજે ૪૫ લાખ ભારતીયો રહે છે. જોકે, ગેરકાયદે રીતે વસતા ભારતીયોનું પ્રમાણ પણ ઘણું ઊંચું છે. આ સિવાય દર વર્ષે હજારો ભારતીયો એચ-૧બી વિઝા લઈને અમેરિકામાં રોજગારી મેળવવા જાય છે. વધુમાં વિદ્યાર્થીઓ પણ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે જાય છે.
બિલ મુજબ કોઈ ગેરકાયદે વસાહતી ઓછામાં ઓછા પાંચ વર્ષથી અમેરિકામાં રહેતો હોય અને ટેક્સ ચૂકવી રહ્યો હોય તો તે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે. આ સિવાય કોઈ ખેતી સાથે સંકળાયેલા કામમાં હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષથી રહેતા હોય તો તુરંત ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે. તેમાં અરજદારની પત્ની અને સંતાનોને પણ ગ્રીન કાર્ડ મળી શકશે.
આ બિલમાં એવી પણ જોગવાઈ છે કે અમેરિકામાં રહીને ઓછા પગારે કામ કરતા ગેરકાયદે વસાહતીઓ પણ ગ્રીન કાર્ડ મેળવી શકશે. સાથે જ એચ-૧બી વિઝાધારકો પર નિર્ભર લોકોને દેશમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે તથા તેમના સંતાનોને આ સિસ્ટમથી બહાર રાખવાથી રોકવામાં મદદ મળશે. સૂચિત બિલમાં ઈમિગ્રેશન સિસ્ટમમાં સુધારાની દરખાસ્ત પણ કરાઈ છે, જેથી પરિવારોને એકત્ર કરી શકાય. ગ્રીન કાર્ડ ધારકોના પરિવારોની લાંબા સમયથી અટકેલી વિઝા અરજી તુરંત ક્લિયર કરી શકાય. તેના માટે દરેક દેશનો ક્વોટા પણ વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
આ બિલ એલજીબીટીક્યુ સાથે થતા ભેદભાવોને પણ ખતમ કરે છે. સજાતીય યુગલોની બાબતમાં એક પણ પાર્ટનર અમેરિકન નાગરિક હોય તો તેનો પાર્ટનર પણ તેની સાથે રહી શકે છે. આ સિવાય બિલમાં માતા-પિતામાંથી કોઈપણ એક અમેરિકન નાગરિક હોય તો ઓછામાં ઓછા એક બાળકને પણ આપમેળે નાગરિક્તા આપવાની જોગવાઈ છે. આ નિયમ સજાતીય યુગલો પર પણ લાગુ પડશે.
ગ્રીન કાર્ડ અને એચ-1બી વિઝામાં અંતર
ભારતીયોમાં અમેરિકન નાગરિક્તા મેળવવા અને રોજગારી મેળવવા માટે ગ્રીન કાર્ડ અને એચ-૧બી વિઝા અત્યંત લોકપ્રિય છે.
ગ્રીન કાર્ડ એક પ્રકારનું સ્થાયી નિવાસ કાર્ડ હોય છે. ગ્રીન કાર્ડ અમેરિકામાં વસાહતીઓને અપાતો એક દસ્તાવેજ છે, જે એ બાબતનો પુરાવો છે કે તે વ્યક્તિને દેશમાં રહેવાની મંજૂરી અપાઈ છે. દરમિયાન એચ-૧બી વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કામદારોની નિમણૂક કરવાની મંજૂરી આપે છે.
કોઈ વિદેશી નાગરિક અમેરિકામાં નોકરી કરતી હોય તો તેને એચ-૧બી વિઝા અપાય છે. સામાન્ય રીતે અમેરિકામાં આઈટી કંપનીઓ સોફ્ટવેર એન્જિનિયર્સની ભરતી કરવા માટે એચ-૧બી વિઝાનો ઉપયોગ કરે છે, જે ચીન અને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.