તુર્કેઈમાં આજે રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 20 વર્ષથી સત્તા પર રહેલા રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન માટે આ ચૂંટણીઓ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં તુર્કેઈના 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. રાષ્ટ્રપતિ એર્દોગન અને તેમના પક્ષની ભૂકંપ પર ઓછા પ્રતિભાવ માટે વ્યાપકપણે ટીકા કરવામાં આવી હતી. આ સાથે તેમની સરકાર વર્ષોથી બાંધકામની યોગ્ય વ્યવસ્થા લાગુ કરવામાં પણ નિષ્ફળ રહી છે.
એર્દોગન હંમેશા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપતા રહ્યા છે.
એર્દોગન હંમેશા કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપતા રહ્યા છે. આમ છતાં ભૂકંપ બાદ ભારતે તુર્કેઈને ઘણી મદદ કરી હતી. એર્દોગને ઘણી વખત કહ્યું છે કે, કાશ્મીર સમસ્યાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો હેઠળ થવો જોઈએ. જોકે ગયા વર્ષે એર્દોગને યુએનમાં ન્યાયી વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું હતું- 75 વર્ષ પહેલા ભારત અને પાકિસ્તાન આઝાદ થયા હતા, પરંતુ બંને દેશો વચ્ચે શાંતિ અને એકતા સ્થાપિત થઈ શકી નથી. અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જ કાશ્મીરમાં યોગ્ય અને કાયમી શાંતિ સ્થાપિત થશે.