ઈમરાન ખાનની ધરપકડ બાદ સમર્થકોએ રસ્તા પર ઉતરીને હિંસા શરૂ કરતા તકેદારીના ભાગરુપે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જોકે હવે તે ફરી શરુ કરવામાં આવી છે પણ ઈન્ટરનેટ ત્રણ દિવસ સુધી બંધ રહેવાના કારણે પાકિસ્તાનની ટેલીકોમ ઈન્ડસ્ટ્રીને 246 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે.
સરકારને પણ મોબાઈલ સર્વિસમાંથી ટેક્સ તરીકે 28 કરોડ રૂપિયા રોજ મળે છે. ત્રણ દિવસમાં સરકારને પણ 86 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન પાકિસ્તાનમાં તમામ સોશિયલ મીડિયા સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી.
આ ત્રણ દિવસ દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટેશન, ફૂડ ડિલિવરી સર્વિસ પણ પ્રભાવિત થઈ હતી.આમ આ સેક્ટરોને ગયેલુ નુકસાન પણ કરોડો રૂપિયામાં થવા જાય છે. 12000 હોટલોની ઓનલાઈન ડિલિવરી સર્વિસ ત્રણ દિવસ રોકાઈ ગઈ હતી.
પાકિસ્તાનમાં થયેલી હિંસા બાદ ડોલર સામે રૂપિયો પણ 3 ટકા જેટલો ગગડયો છે. એક ડોલર સામે હવે પાકિસ્તાની રૂપિયો ગગડીને 298.93 પર પહોંચી ચુકયો છે.