વ્હાઇટ હાઉસે જાહેરાત કરી છે કે રાષ્ટ્રપતિ જો બાયડેન ૨૨ જૂને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર મુલાકાત દરમ્યાન રાત્રિભોજન સહિતની યજમાની કરશે. નવેમ્બર ૨૦૦૯માં તત્કાલીન અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપ્યા બાદ આ મુલાકાત ભારતીય વડા પ્રધાનની પ્રથમ સત્તાવાર મુલાકાત છે.
૨૦૧૪ પછી બંને દેશોના વડા વચ્ચે અનેકવાર મુલાકાત થઈ હોવા છતાં મોદીની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે જેમાં બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે સહયોગ વધારવાના પ્રયાસ કરાશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે અમેરિકન અને ભારતીય લોકો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો પર ભાર મુકતા જણાવ્યું હતું કે આગામી મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચે મજબૂત ભાગીદારી અને નજીકના સંબંધને વધુ ગાઢ કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનના આક્રમક અભિગમને ધ્યાનમાં રાખીને આ વિસ્તારને મુક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત રાખવાની સહિયારી કટિબદ્ધતા વધુ મજબૂત કરવાનો છે.
આ મુલાકાતથી બંને દેશો વચ્ચે સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક ટેક્નોલોજી ભાગીદારીને પણ વધારવાની તક મળશે. બંને નેતાઓ શૈક્ષણિક ક્ષેત્ર, બંને પ્રજા વચ્ચેના સંબંધ અને જળવાયુ પરિવર્તન, વર્કફોર્સ વિકાસ તેમજ આરોગ્ય સુરક્ષા જેવા સામાન્ય પડકારો વિશે પણ ચર્ચા કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી મુલાકાત જી૨૦ સમિટ અગાઉ છે જેનું ભારત સપ્ટેમ્બરમાં આયોજન કરશે. મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી અનેકવાર અમેરિકાની મુલાકાત લીધી છે પણ આ તેમની પહેલી સત્તાવાર મુલાકાત રહેશે જેમાં બંને દેશો વચ્ચેની મૈત્રી અને સહયોગ પર ભાર મુકવામાં આવશે.
પ્રમુખ બાયડેન અને વડા પ્રધાન નરેન્દ્રઆ મોદી વચ્ચેની આ મુલાકાત મહત્વની છે કારણ કે તેમાં બંને લોકશાહી દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ સંકલનની સંભાવના પર વિચાર કરાશે.
અગાઉ વડા પ્રધાન મોદી અને પ્રમુખ બાયડેન વચ્ચે ૨૦૨૧માં ઈન્ડોનેશિયા, બાલીમાં જી ૨૦ સમિટ અને ૨૦૨૨માં જર્મનીમાં જી ૭ સમિટ સહિત વિવિધ પ્રસંગોએ બેઠક થઈ હતી. તેમની આગામી મુલાકાત ૨૪ મેના રોજ સીડનીમાં ક્વોડ નેતાઓની સમિટમાં થશે અને ત્યાર પછી હિરોશીમામાં જી ૭ સમિટમાં થશે જેમાં વિશ્વના અન્ય નેતાઓ પણ જોડાશે.