2003 થી 2014 સુધી ત્રણ વખત પીએમ રહી ચુકેલા એર્દોગન એ પછી સતત રાષ્ટ્રપતિ બની રહ્યા છે અને તેઓ ફરી પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ બનવા માંગે છે. આ વખતે જોકે તેમના માટે ચૂંટણી મુશ્કેલ બની રહી છે. કારણકે તમામ વિપક્ષી પાર્ટીઓ તેમની સામે એકઠી થઈ ચુકી છે.
રસપ્રદ વાત એ છે કે, તેમના મુખ્ય મહરીફ કેમલ કિલિકડારોગ્લુ છે. જેમને તુર્કીના મહાત્મા ગાંધી તરીકે પણ ઓળખામાં આવે છે. કારણકે તેઓ પણ ગાંધીજીની જેમ ગોળ ચશ્મા પહેરે છે અને તેવા જ દેખાય છે અને ઘણા વિનમ્ર સ્વભાવના છે. શુક્રવારે તેમણે એક જાહેર સભામાં દેશમાં શાંતિ અને લોકશાહી સ્થાપવા માટે સોગંધ લીધા હતા.
તુર્કીની ચૂંટણીમાં ખાડે ગયેલી ઈકોનોમી, મોંઘવારી તેમજ ફેબ્રુઆરીમાં આવેલો ભૂકંપ મુખ્ય મુદ્દા બન્યા છે. એર્દોગનનુ કહેવુ છે કે, આર્થિક સંકટ અને ભૂકંપ છતા મેં દેશને મજબૂત સ્થિતિમાં રાખ્યો છે.
લેટેસ્ટ ઓપિનિયન પોલ અનુસાર એર્દોગનના સ્પર્ધક કેમલ કિલિકડારોગ્લુ થોડા આગળ ચાલી રહ્યા છે. તેમના સમર્થકોનુ માનવુ છે કે, કેમલને 50 ટકા કરતા વધારે મત મળશે.કેમલ 6 પાર્ટીઓના સંયુક્ત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કેમલની પોતાની પાર્ટી રિપબ્લિકન પીપલ્સ પાર્ટી એક સેક્યુલર વિચારધારા ધરાવતો રાજકીય પક્ષ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન તંગ માહોલ પણ જોવા મળ્યો હતો અને એક તબક્કે કેમલ કિલિકડારોગ્લુ બુલેટ પ્રુફ જેકેટ પહેરીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
જો સર્વે સાચો પડશે તો એર્દોગનને સત્તા ગુમાવવી પડશે. શક્ય છે કે, કેમલ કિલિકડારોગ્લુ જો રાષ્ટ્રપતિ બને તો ભારત અને તુર્કીના સબંધો સુધરી શકે છે. પાકિસ્તાન પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યુ છે. કારણકે પાકિસ્તાનને રાષ્ટ્રપતિ એર્દોગને ભારત સામેની દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને ઘણી મદદ કરી છે.