પાકિસ્તાન સરકાર અને વિપક્ષી પાર્ટી પીટીઆઈ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં એક જ દિવસે ચૂંટણી યોજવા અંગે સહમતિ સધાઈ છે. જોકે હજુ ચૂંટણીની તારીખ અંગે સહમતિ બની શકી નથી. મંગળવારે મોડી રાત સુધી સત્તાધારી પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં લાંબા સમયથી ચૂંટણી યોજવાની માંગને લઈને મડાગાંઠની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં એક જ દિવસમાં ચૂંટણી કરાવવા માટે સહમત થવું એ પાકિસ્તાનની રાજનીતિ માટે એક મોટું પગલું છે.
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI) ઘણા સમયથી પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં ચૂંટણી યોજવાની માંગ કરી રહી છે અને સરકાર કોઈને કોઈ બહાને તેને ટાળવાનો પ્રયાસ કરી રહી હતી. હવે બંને પક્ષોની બેઠકમાં તમામ પ્રાંતીય અને કેન્દ્રીય ચૂંટણીઓ એક જ દિવસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને પક્ષોની બેઠકમાં એ વાત પર પણ સહમતિ સધાઈ છે કે આ ચૂંટણીઓ કેરટેકર સેટઅપની દેખરેખ હેઠળ યોજાશે, જેથી ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઈ રહે.
પાકિસ્તાનમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે અંતિમ તબક્કાની બીજી બેઠક યોજાવાની છે, જેમાં ચૂંટણીની તારીખ અંગે બધા પક્ષો સહમતિ આપી શકે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા યુસુફ રઝા ગિલાનીનું કહેવું છે કે બંને પક્ષો એ વાત પર પણ સહમત થયા છે કે તેઓ ચૂંટણીના પરિણામો સ્વીકારશે. આ બેઠકમાં સત્તા પક્ષ પીએમએલ-નવાઝ પાર્ટી તરફથી ઈશાક ડાર, ખ્વાજા સાદ રફીક, આઝમ નઝીર, સરદાર અયાઝ સાદિક અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી તરફથી યુસુફ રઝા ગિલાની, સૈયદ નવીદ કમર અને વિપક્ષી પાર્ટી પીટીઆઈ તરફથી શાહ મેહમૂદ કુરેશી, ફવાદ ચૌધરી અને સેનેટર અલી ઝફરે હાજરી આપી હતી.
પીટીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે સિંધ અને બલૂચિસ્તાન એસેમ્બલીના વિસર્જનની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. પીટીઆઈની માંગ છે કે આ વિધાનસભાઓને 14 મેના રોજ અથવા તે પહેલા ભંગ કરી દેવામાં આવે. જો કે પાકિસ્તાન સરકાર હજુ આ માટે તૈયાર નથી. પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં પીટીઆઈની સરકાર હતી, તેથી જ્યારે ઈમરાન ખાનની સરકાર ગઈ ત્યારે પીટીઆઈ સરકાર દ્વારા આ બંને પ્રાંતોની એસેમ્બલીઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જો કે આ બંને પ્રાંતોમાં અત્યાર સુધી ચૂંટણી યોજાઈ નથી.