આ દાવા પ્રમાણે પીએમ મોદીના નેતૃત્વ વાળી સરકાર માટે આ અભિયાન પ્રાથમિકતા ધરાવે છે. બંને દેશો વચ્ચે વેપાર અને કૂટનીતિને લગતી મંત્રણા દરમિયાન ભારત આ મુદ્દો ઉઠાવ તેવી શક્યતા છે.
નવી દિલ્હી સ્થિત અધિકારીઓ બ્રિટનમાં બેઠેલા ડિપ્લોમેટ્સ સાથે અંગ્રેજોએ ભારત પર કરેલા શાસન દરમિયાન જે પણ કિંમતી કલાકૃતિઓ અને વસ્તુઓ બ્રિટન ભેગી કરી હતી તે પાછી કેવી રીતે મેળવી શકાય તે માટે વાતચીત કરી રહ્યા છે. એ પછી ભારત સરકાર આ વસ્તુઓ જ્યાં પણ રાખવામાં આવી છે તે સંસ્થાઓને પત્ર લખીને પાછી મેળવવા માટે અનુરોધ કરશે.
અખબારનુ કહેવુ છે કે, તેની શરુઆત નાના મ્યુઝિયમ અને પ્રાઈવેટ કલેકટરોથી કરવામાં આવશે અને તેમને સ્વેચ્છાએ ભારતની ધરોહરોને પાછી સોંપવા માટે અનુરોધ કરાશે અને એ પછી મોટા મ્યુઝિયમોનો સંપર્ક કરવામાં આવશે.
ભારતના એક અધિકારીનુ કહેવુ હતુ કે, પ્રાચીન વસ્તુઓનુ તો મુલ્ય આંકી શકાય તેમ નથી હોતુ પણ સાથે સાથે તે દેશની સાંસ્કૃતિક વિરાસત અને રાષ્ટ્રીય ઓળખ પણ છે. આ કલાકૃતિઓની લૂંટ ચલાવીને ભારતની સાંસ્કૃતિક ધરોહર અને વિરાસતને પણ લૂંટવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાંથી લૂંટીને બ્રિટન લઈ જવાયેલી અમૂલ્ય વસ્તુઓમાં કોહિનૂરનો પણ સમાવેશ થાય છે. જેને ભારત સરકાર પાછો મેળવવા માંગે છે. આ હીરો 1849થી બ્રિટનના શાહી પરિવારના કબ્જામાં છે. અંગ્રેજોએ તે સમયે મહારાજા દિલિપ સિંહને લાહોર સંધિ પર સહી કરવા માટે ફરજ પાડી હતી અને તે સમયે મહારાજની વય માત્ર 10 વર્ષની હતી. અંગ્રેજોએ તેમની પાસેથી કોહિનૂર પડાવી લીધો હતો.
પહેલી વખત ક્વીન વિક્ટોરિયાએ કોહિનૂરને પોતાના બ્રોચમાં ધારણ કર્યો હતો. અંગ્રેજોએ પડાવી લીધેલા આ હીરા અંગે બ્રિટિશ ઈતિહાસકારોનુ કહેવુ છે કે, તે ભારત તરફથી બ્રિટનને ભેટમાં મળ્યો હતો અને ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બાદમાં તેને રાજવી પરિવારને સુપરત કરી દેવાયો હતો.