વોશિંગ્ટન : અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેને આ પહેલા એક વખત અમેરિકા વિશે ચેતવણી આપી હતી, હવે તેણે ફરી ચેતવણી આપી છે કે અમેરિકા ‘ગંભીર આર્થિક મંદી’ના આરે ઊભું છે. તાજેતરમાં વિશ્વના પીઢ રોકાણકાર વોરેન બફેટે પણ અમેરિકાની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
અમેરિકામાં જ્યારથી મોટી બેંકોને તાળાબંધી કરવામાં આવી છે ત્યારથી નાની બેંકો પર પણ તેની અસર શેરબજારમાં દેખાવા લાગી છે. શેરબજારમાં નાની બેંકોમાં સતત ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજારના નિષ્ણાતોથી લઈને અર્થશાસ્ત્રીઓ પણ અમેરિકાની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
યેલેન કહે છે કે દેવાની ટોચમર્યાદા વધારવામાં નિષ્ફળતા યુએસમાં ગંભીર આથક મંદી તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ અનુસાર જૂન સુધીમાં લોનની મર્યાદા પાર કરી શકાય છે. આનાથી ટેક્સ કલેક્શનમાં ઘટાડો થશે અને તેથી દેવું વધશે. તેમણે સૂચવ્યું કે યુએસ સંસદે આ ‘આર્થિક આપત્તિ’ ટાળવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે.
વોરેન બફેટે પણ બેંકિંગ સિસ્ટમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકન બેંકોને આગળ વધુ અશાંતિનો સામનો કરવો પડી શકે છે. જો કે, બેંકોમાં થાપણો સુરક્ષિત છે. જો આ પ્રતિકુળતા ચાલુ રહેશે તો બેંકિંગ સિસ્ટમ અસ્થાયી રૂપે અટકી શકે છે.