વન નેશન, વન ઈલેક્શનએ ભારતમાં લગભગ તમામ ચૂંટણીઓ એક જ સમયે યોજવાનો એક વિચાર છે. તેનો અર્થ એ છે કે દેશની કેન્દ્રીય સરકાર અને રાજ્ય સરકાર માટે અલગ-અલગ સમયે ચૂંટણી કરાવવાના બદલે, દર પાંચ વર્ષે એકસાથે ચુંટણી કરવામાં આવે. આ વિચાર સારો લાગે છે કારણ કે વન નેશન, વન ઇલેક્શનથી સમય અને નાણાં બચાવી શકે છે, પરંતુ કેટલાક લોકો ચિંતા કરે છે કે તે કરવું મુશ્કેલ હોઈ શકે છે અને રાજ્ય સરકારની શક્તિને અસર કરી શકે છે.
કાયદા પંચ દ્વારા વર્ષ 2018માં તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં પણ વન નેશન, વન ઈલેક્શનની હિમાયત કરવામાં આવી હતી. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો દેશને ચૂંટણી મોડમાંથી બહાર કાઢવામાં આવે તો વિકાસ પર વધુ ધ્યાન આપી શકાય. જો કે હવે નવેમ્બર 2023માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી અને ત્યારબાદ 2024માં લોકસભાની ચુંટણી યોજાશે આથી આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વન નેશન વન ઈલેક્શનના કોન્સેપ્ટ પર કહ્યું કે તેઓ કાયદાકીય જોગવાઈઓ અનુસાર ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. તો ચાલો આજે જાણીએ આ મુદ્દે ચૂંટણી પંચના પ્રશ્નો અને સેમિકન્ડક્ટર એટલે કે ચિપની ભૂમિકા શું છે.
વન નેશન, વન ઈલેક્શન પર તર્ક શું છે?
આચારસંહિતા લાગુ થતા જ સરકાર કોઈ નવી યોજના, નવો પ્રોજેક્ટ, કે નવી નોકરીઓ કે નવી નીતિઓ કે જેની અસર દેશના વિકાસના કામોમાં પડતી હોય તેવી કોઈપણ જાહેરાત કરી શકે નહિ.
આ સિવાય બીજો એક તર્ક એવો પણ છે કે એક જ ચુંટણી કરવાની તેના પર કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થશે. આ ઉપરાંત ચુંટણી દરમ્યાન સરકારી કર્મચારીને ડયુટી સોંપાતી હોવાથી તેમના કામ પર પણ અસર પડે છે. ભારતમાં 1967 સુધી વિધાનસભા અને લોકસભાની ચુંટણી એકસાથે યોજાતી હતી. 1947માં ભારત આઝાદ થતા નવા બંધારણ મુજબ 1952માં દેશમાં પ્રથમ ચુંટણી થઇ.
ત્યારબાદ દેશમાં 1951-52, 1957, 1962 અને 1967માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. 1957માં કેરળમાં યોજાયેલી ચૂંટણીમાં EMS નંબૂદીરિયાબાદની ડાબેરી સરકાર ચૂંટાઈ ત્યારે એક સાથે ચૂંટણી યોજવાનો આ ક્રમ તૂટી ગયો હતો. જે બાદ તત્કાલીન કેન્દ્ર સરકારે કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લગાવીને આ સરકારને હટાવી દીધી હતી. આ પછી વર્ષ 1960માં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાઈ. જો કે, તે પછી 1968 અને 1969માં કેટલીક વિધાનસભાઓ અને 1970માં લોકસભાના વિસર્જન બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ.
સેમિકન્ડક્ટર ચિપ શું છે?
મે 2022માં ઇઝરાયેલની ISMC એનાલોગ ફૈબ પ્રાઇવેટ લિમીટેડ કંપનીએ રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનનો પ્લાન્ટ નાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો. આ કંપની આંતરરાષ્ટ્રીય સ્તર પર ચિપ બનાવવાનું કામ કરે છે. કર્ણાટક સરકાર અનુસાર આ પ્રોજેક્ટ લગભગ રૂ 22,900 કરોડનો હતો. જે શરુ થતા 1500 જેટલા સ્થાનિકોને પ્રત્યક્ષ રોજગાર અને 10,000 લોકોને અપ્રત્યક્ષ રોજગાર મળવાની સંભાવના છે. સેમિકન્ડક્ટર ચિપના આવતો સતત ઘટાડો એ પૂરી દુનિયા માટે એક મોટી સમસ્યા છે. સેમિકન્ડક્ટર ચિપનો ઉપયોગ EVM અને VVPAT મશીન બનાવવામાં કરવામાં આવે છે.
વન નેશન, વન ઈલેક્શનમાં સેમિકન્ડક્ટર ચિપ કઈ રીતે બની છે અડચણ?
એકસાથે ચુંટણી કરાવવા બાબતે આ વર્ષે સેમિકન્ડક્ટર ચિપની વૈશ્વિક અછત પર ચિંતા વ્યક્ત કરી હતી. આ અછતને કારણે ઈલેક્શન કમીશનને માત્ર 2024ની લોકસભા ચૂંટણી માટે વધારાના 4 લાખ વોટિંગ મશીન બનાવવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં જો સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય તો વધારાના વોટિંગ મશીનની અછતને દૂર કરવી એ એક મોટો પડકાર બની શકે છે. આ ઉપરાંત કોવિડ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સેમિકન્ડક્ટરની અછતથી EVM મશીન બનાવવામાં પણ સમસ્યાઓ સર્જાય છે.
વન નેશન, વન ઈલેક્શન માટે સરકારે શું પગલા લેવા જરૂરી?
પૂર્વ ઈલેક્શન કમિશનર ઓપી રાવત મુજબ બંને ચૂંટણીઓ એકસાથે યોજવી શક્ય છે. આ માટે સરકારે અમુક કામ કરવા પડશે.
આ માટે સૌ પ્રથમ બંધારણની કલમ 83, 85, 172, 174 અને 356 ની જોગવાઈઓમાં સુધારો કર્યા વિના લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજી શકાય નહીં.
એસેમ્બલીઓના કાર્યકાળ અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈઓમાં પણ ફેરફાર કરવો પડશે.
આ સિવાય લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાના નિયમોમાં ફેરફાર કરવો પડશે. જેના માટે ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ને બદલે ‘રચનાત્મક વિશ્વાસ પ્રસ્તાવ’ની સિસ્ટમ દાખલ કરવી પડશે. એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવની સાથે એ પણ જણાવવું પડશે કે કઈ સરકારને હટાવીને નવી સરકાર બનાવવી જોઈએ. જેમાં ગૃહને વિશ્વાસ છે, જેથી જૂની સરકારના પતન પછી પણ નવી સરકાર સાથે વિધાનસભા કે લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષ સુધી ચાલુ રહી શકે.
ચૂંટણીમાં કેટલા EVM જરૂરી?
ઈલેક્શન કમિશને વન નેશન, વન ઈલેક્શન માટે કુલ 35 લાખ EVM ની જરૂરિયાત દર્શાવી હતી. આ માટે નવા EVM ખરીદવા ખુબ જ જરૂરી છે. ભારતમાં ઉપયોગમાં લેવાતી EVM અને VVPAT ની કિમત લગભગ 17 હજાર જેટલી છે. ત્યારે એક જ સમયે ચુંટણી યોજવા માટે વધુ નવા 15 લાખ મશીનની જરૂર છે, જે બનાવવા માટે લગભગ 1 વર્ષથી વધુ સમય લાગી શકે છે.