વિશ્વમાં કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાંથી આવ્યો હતો. ત્યાર બાદ કોરોનાએ બાકીના દેશોમાં પગ પેસરો કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં ચીનના રોગ નિયંત્રણ બોર્ડ (DCB) એ એક નવા અહેવાલમાં વાયરસ સંક્રમિતતા વધવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન 114 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થયા હતા.
ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ આ અઠવાડિયે તેના સાપ્તાહિક અહેવાલમાં ડેટા રજૂ કર્યો હતા. ડેટાના આધારે તેમણે કહ્યું હતું કે ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધીમાં કોવિડ-19ના કેસ વધ્યા છે. આ દરમિયાન ચીને ઝીરો કોવિડ પોલિસીના નિયમો હટાવ્યા હતા. ચીન સરકારની ઝીરો કોવિડ પોલિસીમાં ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને લોકડાઉનનો સમાવેશ થાય છે.
ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ પણ રિપોર્ટમાં વેક્સીન બૂસ્ટર શોટ્સની સકારાત્મક અસર દર્શાવી છે. બૂસ્ટર શોટ કોરોનાના લક્ષણોને રોકવામાં અસરકારક સાબિત થયા છે. અહેવાલમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન કોરોના સંક્રમણમાં વધારો થયો છે.
ઘણા ચેપગ્રસ્ત લોકોએ ન્યુક્લીક એસિડ અથવા એન્ટિજેન પરીક્ષણો કરાવ્યા નથી જેના કારણે ચોક્કસ આંકડાઓ જણાવવા મુશ્કેલ છે. CDCએ અનામી ઓનલાઈન સર્વેની મદદથી રોગની ગંભીરતાનો અંદાજ કાઢવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓએ લિંગ, ઉંમર, સરનામું, વ્યવસાય, લક્ષણો અને તેમને રસી આપવામાં આવી છે કે કેમ તે પૂછ્યું. આવી માહિતી એકઠી કરવાનું કામ કર્યું હતું.
CDCએ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે 4 વખત સર્વે કર્યો હતો. તેમના પરિણામો દર્શાવે છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી ફેબ્રુઆરી 7 સુધી દેશની 82.4 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત હતી. CDCએ અગાઉ કહ્યું હતું કે ચીનમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યા ગયા વર્ષે 22 ડિસેમ્બરના રોજ 6.94 મિલિયનની ટોચે પહોંચી હતી અને પછી ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો હતો.
સર્વેમાં માત્ર WeChat યુઝર્સને જ સામેલ કરવામાં આવ્યા છે. આમાં ફક્ત 2,316 સહભાગીઓના નમૂનાનો સમાવેશ થાય છે જેઓ નિર્દિષ્ટ તારીખોમાં ચેપગ્રસ્ત હોવાનું જણાયું હતું.