આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. જ્યારે ઓટીટી પર રિલીઝ થયા બાદ તે ફિલ્મ નેટફ્લિકિસ પર મહિનાઓ સુધી ટોપ ટ્રેન્ડમાં રહી હતી. અદ્વેત ચંદનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ હોલીવુડની કસ્ટ ક્લાસિક ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક હતી.
થિયેટરમાં ફિલ્મ ફ્લોપ થવા પાછળનું કારણ ‘બોયકોટ ટ્રેન્ડ’ માનવામાં આવતું હતું. પરંતુ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર આ વાત સાથે સહમત નથી. તેમણે એક નવા ઈન્ટરવ્યુમાં બોયકોટ ટ્રેન્ડ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. પરંતુ સાથે જ એ પણ કહ્યું કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ કોઈ મહાન ફિલ્મ નહોતી અને તેના ફ્લોપ પાછળ બોયકોટ કારણ નથી.
‘લાલ સિંહ ચઢ્ઢા’ ગત વર્ષે 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ હતી. રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થવા છતાં આ ફિલ્મે માત્ર 59.58 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ઈન્ટરવ્યુમાં અનુપમ ખેરે કહ્યું કે, ‘લાલ સિંહ ચઢ્ઢા સારી ફિલ્મ ન હતી. જો તે સારી ફિલ્મ હોત તો દુનિયાની કોઈ શક્તિ તેને હિટ બનતા રોકી શકી ન હોત. આમિર ખાનની પીકે સારી ફિલ્મ હતી અને તેણે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. મુદ્દો એ છે કે, તમારે સત્ય સ્વીકારવાની જરૂર છે.
દિગ્ગજ અભિનેતાએ વધુમાં કહ્યું કે, ‘હું Boycott Bollywood ટ્રેન્ડના પક્ષમાં નથી. જરાય નહિ. હું નથી માનતો કે આવો ટ્રેન્ડ કોઈ ફિલ્મને હિટ બનતી રોકી શકે. તમે કોઈને રોકી શકતા નથી. જો તમારી પ્રોડક્ટ સારી છે તો તેને દર્શકો આપમેળે મળી જશે. આ ટ્રેન્ડને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો છે કે, તમે શાનદાર કામ કરો.
Boycott Bollywood ટ્રેન્ડ પર પોતાની વાત મૂકતા અનુપમ ખેરે આમિર ખાનના ‘ભારતમાં રહેવાથી ડરે છે’ વાળા નિવેદન તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ પ્રકારના ટ્રેન્ડની ફિલ્મ પર કોઈ અસર પડે. ફિલ્મ સારી હશે તો ચાલશે જ પણ ખરાબ હશે તો નહીં ચાલે. દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને જો કોઈ અભિનેતાને પરિસ્થિતિ વિશે કંઈપણ કહેવાનો અધિકાર છે તો જ્યારે લોકો તેના વિશે કંઈક કહે ત્યારે તેને સાંભળવાની હિંમત પણ હોવી જોઈએ.